ભાભરની ગૌ શાળામાં રૂ. 11 લાખનું દાન આપવાની જાહેરાત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરીધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે તૈયાર થનાર નવીન ગૌ હોસ્પીટલનું ખાતમૂર્હત કર્યુ હતું. આ પ્રસંગે ગૌ શાળાના નિભાવ માટે દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવતાં રાજ્યપાલએ જણાવ્યું કે, ગૌ સેવાનું પવિત્ર મહાન કાર્ય કરનાર તમામ સજ્જનોને શુભેચ્છા પાઠવું છું.
તેમણે કહ્યું કે, ગુજરાતને દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવું છે. હાલમાં રાજ્યમાં સવા લાખ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના ખેડુતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ બંધ કરી સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજય સરકાર દ્વારા દેશી ગાય રાખવા માટે ખેડુતને દર મહિને રૂ. 900 ની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે વધુ 2 લાખ અરજીઓ આવી છે તેમને દેશી ગાય માટે દર મહિને રૂ. 900 સહાય આપવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાભરની ગૌ શાળામાં રૂ. 11 લાખનું દાન આપવાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મને ઘણાં સમયથી આ ગૌ શાળામાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પવિત્ર ધરતી પર આવ્યા પછી જાણ્યું કે આ ધરતી પર ગૌ સેવાનું આટલું સરસ કામ કરનારા લોકો છે.
બિમાર, અશક્ત, પિડીત ગાયોની માતૃત્વ ભાવથી કરાતી સેવાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે, અહીંના ટ્રસ્ટીઓ, ર્ડાક્ટરો અને સેવાધારીઓની આખી ફોજ દ્વારા કરવામાં આવતા ગૌ સેવાના અનુપમ કાર્યને જોઇને ખુશી અને આનંદ થાય છે. ગૌ માતામાં આસ્થા, શ્રધ્ધા અને લગાવથી તમે ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું કે, ગૌ માતા કોઇ પણ જાતના ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય તમામને અમૃત સમાન દૂધ આપે છે. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે સંપૂર્ણ બળદ પર આધારીત ખેતી થતી હતી ત્યારે લોકોને શુધ્ધ ખોરાક મળતો હતો અને રોગોનું પ્રમાણ ઓછું હતું. આજે ખેતીમાં રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે પર્યાવરણને નુકશાન થાય છે અને માણસના સ્વાસ્થ્યને પણ ખુબ અસર થાય છે.
રાસાયણિક દવાઓ અને ખાતરોને લીધે જમીન અને પાણી દુષિત થયા છે. તેમણે કહ્યું કે, તંદુરસ્ત અને સુખી જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં મારા પ્રયાસથી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને જમીનની ફળદ્રુપતા વધી છે.
રાજ્યપાલએ ગુજરાતના ખેડુતોને આ દિશામાં આગળ વધવાની અપીલ કરતાં જણાવ્યું કે, દેશી ગાયના ગૌ મૂત્ર અને છાણમાંથી જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે અને વસૂકેલી ગાયના છાણમાં 500 કરોડ જીવાણું હોય છે. તેમાંથી જીવામૃત દેશી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે.
તેમણે કહ્યું કે, એક દેશી ગાયના છાણથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. રાજ્યપાલએ ગાયના છાણમાંથી જીવામૃત બનાવવાની પધ્ધતિ ખેડુતોને સમજાવી હતી તથા આ જીવામૃતથી ખેતરમાં પેદા થતાં અળસીયા અને અળસીયાની ખેતીમાં ઉપયોગીતા વિશે તેમણે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ભાભર ગૌ શાળામાં દર વર્ષે રૂ. 25 લાખનું આજીવન માતદાર દાન આપવાની ઘોષણા કરનાર ઉધોગપતિ જયેશભાઇ પટેલ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 ગૌ શાળાઓમાં રૂ. 75 લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરનાર સમસ્ત મહાજન સમાજ મુંબઇના પ્રમુખ ગિરીશભાઇ શાહના કાર્યને બિરદાવી રાજ્યપાલએ અભિનંદન પાઠવી આ ઇશ્વરીય કાર્યમાં જોડાવા બધાને આહવાન કર્યું હતું.
રાજ્યપાલએ કચ્છના ખેડુત હરીશભાઇ ઠક્કરે પોતાની 700 એકર જમીનમાં રાસાયણિક ખેતીને આપેલી તિલાંજલિ અને પ્રાકૃતિક ખેતી અપનાવવાની વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમયની સાથે ખેડુતોએ ખેતીમાં બદલાવ લાવવો પડશે તો જ આપણે આવનારી પેઢીને સ્વચ્છ હવા, પાણી અને ફળદ્રુપ જમીન આપી શકીશું.
ભાભર જલારામ ગૌ શાળાના ટ્રસ્ટી લીલાધરભાઇ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે આ ગૌશાળાની 4 જેટલી શાખાઓમાં 10 હજારથી વધુ માંદી, લુલી, લંગડી, અકસ્માત થયેલ હોય અને બીજા અન્ય રોગથી પિડાતી હોય તેવી ગાયોની સારવાર અને સંભાળ રાખવામાં આવે છે અને છેલ્લા 25 વર્ષથી આ સેવાકીય પ્રવૃ્તિઓ કરવામાં આવે છે.
બિમાર કે અકસ્માતનો ભોગ બનેલી ગાયોને 19 જેટલી એમ્બ્યુલન્સ મારફત જુદા જુદા સ્થળોથી અહીં લાવી તેમની સારવાર કરવામાં આવે છે એના માટે 350 જેટલાં માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે.
From – Banaskantha Update