સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં અદ્યતન પુસ્તકાલયનું ઉદ્દઘાટન શુક્રવારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું.
આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં વર્તમાન સમયને અનુરૂપ નવીન પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદઘાટક અને મુખ્ય વક્તા તરીકે પ્રાંત પ્રચારક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચિંતનભાઈ ઉપાધ્યાય રહ્યા હતા.
જયારે મુખ્ય મહેમાન તરીકે પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ પાટણના ગ્રંથપાલ ડૉ. વલ્લરીબેન એચ. હાથી રહ્યા હતા. નવીન ગ્રંથાલયનું ઉદઘાટન શ્રીફળ વધેરીને દીપ પ્રગટાવીને થયું હતું. ત્યારબાદ શાળાના પ્રાર્થનાખંડમાં ઉદઘાટન કાર્યક્રમમાં બંને મહેમાનોનું પ્રાસંગિક પ્રવચન પણ યોજાયું હતું. જેમાં તેઓએ વધુ પુસ્તક વાંચવા અને વધુ પુસ્તક વસાવો એવું ભારપૂર્વક જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાના સ્ટાફ મિત્રોની મદદથી ગ્રંથાલયમાં સુશોભન, પુસ્તકની ગોઠવણી, કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા, સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કહેવાય છે ને કે, સારા માણસોના સહિયારા સાથથી ગમે તેવું કામ મહેકી ઊઠે છે, સૌના સાથ સહકારથી પુસ્તકાલય ઉદઘાટન કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કાર મંડળના હોદ્દેદારો, નગરના શ્રેષ્ઠીગણ, શાળાના પ્રધાનાચાર્ય, વ્યવસ્થાપક, સુપરવાઈઝર મિત્રો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update