બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અત્યારે બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે અને વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા નથી તેવામાં ખેડૂતોએ બટાટાનું વેચાણ ક્યાં કરવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે અને અચાનક જ બટાકાનો ભાવ તળીયે બેસી જતા ખેડુતોને ફરી એકવાર મોટું નુકશાન વેઠવું પડ્યું છે.
ગત વર્ષે કોરોના મહામારીના કારણે માંસાહારનું પ્રમાણ ઘટતા અને વેજીટેબલ એવા બટાટાની માંગ વધતા બટાકાના ભાવમાં ઈતિહાશિક વધારો થયો હતો હોલસેલમાં જે બટાટા નો ભાવ 10 થી18 રૂપિયા કિલો હતા તે જ બટાકાનો ભાવ 40 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો અને તેના કારણે આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ મબલખ વાવેતર કર્યું હતું પરંતુ હવે બટાકાનો ભાવ તળીયે બેસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર બનાસકાંઠાના ડીસા પંથકમાં થાય છે અને આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં 68 હજાર હેકટરના બટાકાનું વાવેતર થયું હતું પરંતુ બટાટા નીકળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ ગગડી ગયા છે બટાકાનો ભાવ ગગડી જતાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગત વર્ષે બટાકાના ભાવ ઊંચા હતા તેના કારણે બિયારણ અને ખાતર પણ ઊંચા ભાવે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ હવે આટલો ખર્ચો કર્યા બાદ પણ બટાકાનો ભાવ તળીયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અત્યારે ખેડૂતો વેપારીઓ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવશે તેની રાહ જોઈને બેઠા છે પરંતુ એક પણ વેપારી ખેતરમાં ફરકતા નથી તો બીજી તરફ બટાટા નીકળ્યા બાદ તેને બે ચાર દિવસમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં ના આવે તો બગડી જવાની સંભાવના વધી જાય છે.
જેથી ખેડૂતોએ ના છૂટકે બટાટા સ્ટોરમાં મૂકવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં બટાટા ખેડૂતો મોટા પ્રમાણમાં મુકવા જઈ રહ્યા છે પરંતુ મોટી મોટી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે ભાડામાં પાંચ ટકાનો વધારો કરાયો છે જેથી ખેડૂતોએ એક તરફ બટાટાના ભાવ નથી મળતા અને બીજી બાજુ સ્ટોરના ભાડામાં પણ વધારો થતાં બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે.
જોકે હવે સરકાર બટાકાનું વાવેતર કરતા ખેડૂતો અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોઈ આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને જો સરકાર આ ખેડૂતો માટે કોઈ પગલાં નહીં લે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ ખેડૂતોનું માનવું છે.
ડીસાના કોલ્ડ સ્ટોરેજના વેપારીઓએ જણાવ્યું હતું કે ડીસામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ સારા ભાવ મળી રહેશે તે હેતુથી મોંઘાડાટ 2200 થી 2300ના ભાવનું બિયારણ લાવી બટાટાની ખેતી કરી હતી પરંતુ ગુજરાત સહિત ચારે બાજુ મોટા પ્રમાણમાં બટાટાનું વાવરતર થતા બટાટાના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકાર ખેડૂતોના હિત માટે કંઈક વિચારે નહીતર આગામી સમયમાં હજુ પણ કપરી પરિસ્થિતિ સર્જાય તેમ છે.
From – Banaskantha Update