છાપી નજીક ઓરેન્જ જ્યુસ બનાવતી ફેક્ટરીને પાલનપુર નિવાસી કલેકટરે સેમ્પલ પરનું સ્ટીકર ભ્રમિત કરતું હોવાથી 3 જુદી જુદી પ્રોડક્ટ પેટે 3-3લાખ મળી 9 લાખનો દાખલો બેસાડતો દંડ ફટકાર્યો છે. જ્યારે એન. કે. બ્રાન્ડ સીંગતેલ વેચતી પાલનપુર જુના ગંજની વેપારી પેઢીને 2 લાખનો દંડ પાઠવ્યો છે.
આ પેઢીનું સેમ્પલ પણ મિસબ્રાન્ડ આવ્યું હતું.પાલનપુર ફુડસેફટી વિભાગની ટીમએ ગત વર્ષે છાપી-અમદાવાદ હાઇવે પર રજોસણ પાટીયા પાસે સુલતાન મુસ્તકીમભાઈની ફુડીજા ફૂડ એન્ડ બેવરેજીસમાંથી રીયલટચ આઈસક્રીમ ઓરેન્જ જ્યુસના ત્રણ જુદા જુદા સેમ્પલ લીધા હતા.
આ ત્રણેય સેમ્પલમાં અલગ અલગ ફ્લેવર હતી જે ત્રણેય સેમ્પલ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલતા તે મિસબ્રાન્ડ આવ્યું હતું. જે અંગેના જુદા જુદા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા. સેમ્પલ મિસબ્રાન્ડ આવ્યા બાદ પાલનપુર સેફટી વિભાગે પાલનપુર કલેકટર કચેરી સ્થિત નિવાસી કલેકટર સમક્ષ ફૂડ સેફટી અંગેના કેસો દંડાત્મક કાર્યવાહી માટે રજૂ કર્યા હતા.
જેમાં ફુડીજા ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ટરીના ત્રણેય કેસમાં ત્રણ ત્રણ લાખ મળી 9 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રોડક્ટ પર લગાવેલા સ્ટીકર પર જ્યુસ લખેલું હતું જોકે તેમાં ફ્લેવરવાળું પાણી હોવાથી તે ગેરમાર્ગે દોરતા હોવાથી આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે બીજા એક હુકમમાં પાલનપુરના જુના ગંજ વિસ્તારમાં આવેલી નવીનચંદ્ર ધીરુભાઈ સોનીની ભાગ્યોદય ટ્રેડીંગ કંપનીમાંથી પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગની ટીમે એન કે બ્રાન્ડ પ્યોર ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ (સીંગતેલ) નું સેમ્પલ લીધું હતું જે મિસ બ્રાન્ડ આવ્યું હતું જેને લઈ નિવાસી કલેક્ટરે બે લાખનો દંડ કર્યો હતો.

આમ બે કેસમાં કુલ 11 લાખના દંડથી હડકંપ મચી ગયો છે. નોંધીનીય છે કે અધિક કલેકટરે જે ઓરેન્જ જ્યુસ પ્રોડક્ટ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે તેવી પેપ્સીઓ બાળકોમાં ખાસ્સી એવી લોકપ્રિય હોય છે અને ઉનાળામાં તેનું વેચાણ ખાસ્સું એવું વધી જાય છે.
1 રૂપિયાથી 2 રૂપિયા સુધી મળતી આ પ્રકારની પ્લાસ્ટિક પેકિંગ સસ્તી પેપ્સીઓ ઘરે ઘરે લોકો બનાવી ઊંડાણના ગામોમાં વેચતા હોય છે. જેમાં ઘણી વાર તેને મીઠી કરવા ફૂડ કલર અને મીઠાશ માટે સેક્રીનનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
From – Banaskantha Update