અકસ્માતના એક બનાવમાં બે યુવકોનાં મોત થયા છે. ભાભરના કુવાળા હાઇવે પર પૂર ઝડપે આવી રહેલા ટ્રકના અડફેટે આવી જતાં બાઈક સવાર બે યુવાકોનાં ઘટના સ્થળે કરુણ મોત થયા છે. બાઇક સવાર અન્ય ત્રીજા યુવાનને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભાભર રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડાયો.
મળતી માહિતી પ્રમાણે ભાભરના કુવાળા હાઇવે પર ટ્રક અને બાઈક સામસામે ટકરાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં કરુણ મોત નિપજ્યાં છે. ઠાકોર સમાજના ત્રણ યુવકો બાઈક લઇને કુવારા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકની ટક્કર મારતા અકસ્માત થયો હતો.

ધડાકાભેર ટક્કર બાદ બાઈક પર સવાર ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાંથી બે યુવકનાં ઘટનાસ્થળે કરુણ મોત નિપજયા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ભાભરથી 108 એમ્બ્યુલન્સ વાન અને આજુબાજુના લોકો અકસ્માત સ્થળે આવી પહોંચ્યા હતા.
લોકોએ રાહત કામગીરી શરૂ કરીને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાભર રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવને પગલે ભાભર પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોનાં મોત થતાં ઠાકોર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મૃતકનાં નામ
1) સંજય ભાઈ ભુરાભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ)
2) હકાભાઈ અમૂભાઈ ઠાકોર (રહે. બીયોકપુરા)
ઇજાગ્રસ્ત યુવકનું નામ
1) સ્વરુપજી હરાજી ઠાકોર (રહે. ફફરાળી ભાભર)