પાલનપુરથી અમદાવાદ તરફ ટ્રક 207 ઘેટાં-બકરા ભરીને જઈ રહ્યો હતો તે સમયે પાલનપુર પાસે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.
બનાસકાંઠામાં પાલનપુર પાસે આજે વહેલી સવારે ઘેટાં-બકરા ભરેલો ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 38 ઘેટાં-બકરાનાં કરૂણ મોત નિપજ્યા છે. અબોલ પશુઓનાં મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પાલનપુર – અમદાવાદ હાઇવે પર આજે વહેલી સવારે ઘેટાં – બકરા ભરેલો એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક 207 ઘેટાં – બકરા ભરીને પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ સમયે પાલનપુર પાસે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.
ટ્રક પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 38 જેટલા ઘેટાં-બકરા ટ્રક નીચે કચડાઇ ગયા હતા. તમામના કરુણ મોત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવને પગલે આજુબાજુના લોકો અને જીવદયા પ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ લોકોએ મળીને ટ્રકમાં ભરેલા અન્ય ઘેટાં-બકરાઓને બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં પાલનપુર પોલીસ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ મૃત ઘેટાં-બકરાનો નીકાલ કરવાની વ્યવસ્થા કરી હતી. એકસાથે 38 જેટાલ ઘેટાં-બકરાનાં મોતના દ્રશ્યો જોઈને રસ્તેથી પસાર થતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક ટ્રક હાઇવેની બાજુમાં પલટી ગયેલી હાલતમાં પડ્યો છે. તેની આસપાસ મૃત ઘેટાં-બકરા પથરાયેલા જોવા મળે છે.
From – Banaskantha Update