ગરીબો ફાળવાયેલ અનાજ ગરીબોના ઘરે પહોંચે તે પહેલા જ સરકારી ગોડાઉનમાંથી ગાયબ થઈ ગયું છે.
#Banaskantha પાલનપુરના કરોડોના અનાજ કોભાંડના આરોપીઓ વિરુધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે – કલેકટર આનંદ પટેલ pic.twitter.com/AjulnKFPf9
— Banaskantha Update (@bknasamachar) February 22, 2021
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1.91 કરોડનો અનાજનો જથ્થો ગાયબ થઈ જતા પુરવાર વિભાગ દોડતું થયું છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સહિત બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં દર મહિને કરોડો રૂપિયાનું અનાજ પહોંચાડવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ માફિયાઓના ગોડાઉન સુધી પહોચી ગયું હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કલેકટરને મળેલી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય ગોડાઉન પર તપાસ ટીમ મોકલી હતી.
જે તપાસ ટીમ દ્વારા સતત 5 દિવસ સુધી તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ થઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેની સઘન તપાસ તથા 1.91 કરોડ રૂપિયાની કિંમતના ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ થઈ ગયો છે. જે મામલે જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુઘેન્દ્રસિંહ ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અનાજ કોભાંડની વિગત :-
– કુલ અનાજની ઉચાપત :- 1 કરોડ 91 લાખ
– 12776 બોરી ઘઉં
– 6,38,788 કિલો ઘઉંનો જથ્થો, કિંમત :- 1,59,69,715
– 2473 બોરી ચોખા
– 1,23,614 કિલો ચોખાનો જથ્થો, કિંમત :- 32,13,974
આરોપીઓના નામ:-
– નાગજીભાઈ (ગોડાઉન મેનેજર)
– એમ બી ઠાકોર (ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર)
– વિશાલ પંચીવાલા (પ્રદિપ એસોસિયેટના પ્રતિનિધિ, ગોડાઉન રેકર્ડ ઓડિટ કરનાર)
1.91 કરોડ જેટલી માતબર રકમની સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર ટ્રાન્સપોર્ટ તેમજ ઓડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપત મામલે આરોપીઓની શોધખોળ હાથધરી છે.
ગરીબોને આપવામાં આવતા અનાજ બારોબાર સગેવગે થતું હોવાની અનેક ફરિયાદો આવતી હોય છે પણ તંત્ર દ્વારા ખાસ કોઈ ફરિયાદોને ધ્યાને ન લેતા કે પછી અધિકારીઓની મિલીભગતને કારણે કોઈ ખાસ કાર્યવાહી ન થતા એક પછી એક કૌભાંડ બહાર આવે છે.

જેમાં આજે પાલનપુરમાં ગરીબોના મોં સુધી પહોંચનાર સરકારી અનાજ કાળા બજારી લોકો ચાંઉ કરી ગયા છે. રેકર્ડ દસ્તાવેજના આધારે આટલી મોટી ઉચાપત થયેલી સ્પષ્ટ દેખાય છે. ત્યારે જોવાનું એ રહેશે કે આરોપીઓ સામે હવે તંત્ર PBM (પ્રિવેનશન ઓફ બ્લેક માર્કેટિંગ) સુધીની કાર્યવાહી કરે છે કે કેમ..?
From – Banaskantha Update