આજરોજ આઇશ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્યદિન નિમિતે ખોડીયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જ્યંતી નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રી વેરાઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી માં, ચામુંડા માં, હિંગળાજ માં, ભવાની માં, ભુવનેશ્વરી માં, આશાપુરા માં, ગાત્રાડ માં, મેલડી માં, વિસત માં, કનકેશ્વરી માં, મોમાઈ માં, નાગબાઈ માં, હરસિધ્ધિ માં, મોઢેશ્વરી માં, ઉમિયા માં વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે.
તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે તેમાનાં એક દેવી એટલે ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં.
જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9મીથી 11મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
આજે મહા સુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિર ખાતે પણ ખોડીયાર જયંતી દર વર્ષે ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના લીધે ખોડિયાર જયંતીની સાદગાઈથી ઉજવણી કરવામાં આવી હતી. દરવર્ષ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડતા હતા પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના લીધે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકો સોસીયલ ડિસ્ટન્ટ જાળવી ભીડ ન થાય તેવી રીતે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આજે માંના ધામમાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
From – Banaskantha Update