પાલનપુરના અત્યાર સુધીના સૌથી મોટા સરકારી અનાજમાં કૌભાંડનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પુરવઠા વિભાગની 5 દિવસની તપાસમાં દોઢ કરોડના ઘઉં ચોખાના 14 હજાર કટ્ટાનો હીસાબ ન મળતા આખરે ગોડાઉન મેનેજર, લેબર કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર અને 14 મજુરોના નિવેદન લેવાની પ્રક્રિયા શુક્રવારે સાંજે હાથ ધરાઈ હતી.
આ મામલામાં પાલનપુર ગોડાઉન મેનેજરની ભાવનગર બદલી સાથે સસ્પેન્ડ કરી દેવાયો છે. ગમે તે ઘડીએ આ મામલે ગુન્હો નોંધવામાં આવશે.
પાલનપુરના માલ ગોડાઉનમાં 14 હજાર ઘઉં અને ચોખાની બોરીઓ બારોબાર સગેવગે થઈ જતા પુરવઠા તંત્રની ટિમો છેલ્લા 5 દિવસથી તપાસ કરી રહી હતી જેમાં એફસીઆઈ દ્રારા આપવામાં આવેલા અનાજની સામે ગોડાઉનમાંથી વિતરણ કરાયેલા જથ્થાના હિસાબમાં ફેરફાર હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતા ગાંધીનગર પુરવઠા નિગમમાંથી મેનેજર એન.પી.રોતને તાત્કાલિક અસરથી ભાવનગર બદલી સાથે ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત માલ ગોડાઉન ખાતે તપાસ કરી રહેલા પુરવઠા વિભાગ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર ગોડાઉન મેનેજર પેટા કોન્ટ્રાક્ટર અને 14 મજૂરોના લેખિત નિવેદન લેવાની પ્રક્રિયા તેમજ આખરી પંચનામું કરવામાં આવ્યું હતું. જે બાદ હવે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર પુરવઠા નિગમના સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ જિલ્લાના પાલનપુર ઉપરાંત અને તેર તાલુકાના માલ ગોડાઉન પર પણ તપાસ કાર્યવાહી હાથ ધરાશે.
બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા સરકાર અનાજ ને સગેવગે કરવાના કૌભાંડમાં વિજિલન્સ ટીમના 8, પાલનપુર પુરવઠા વિભાગના7, અને દાંતા અમીરગઢ પુરવઠા મામલતદાર મળી 17 જણાની ટીમ પાછલા કેટલાક દિવસોથી રેકોર્ડ ચકાસણીનું કામ કરી રહી હતી.
આ અંગેની વિગતો આપતા પુરવઠા સૂત્રોએ જણાવ્યું હતું કે 2020નું રેકોર્ડ ચેક કરવામાં આવ્યું છે. ઘઉં અને ચોખાના 14000 કટ્ટાની ઘટ બાબતે કાર્યવાહી કરવાની થાય છે જે કરીશું.
પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવી હતી જેના 35-35 કિલોના 14,000 કટ્ટા અહીં રાખવામાં આવ્યા છે.
From – Banaskantha Update