સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, પાલનપુર સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત સરકારી સંસ્થા છે. આ સંસ્થામાં સરકારની ગાઈડલાઈન મુજબ 0 થી 6 વર્ષના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા અનાથ, નિરાધાર, ત્યજાયેલ અને સોંપાયેલ બાળકોને રાખવામાં આવે છે.
જે સંસ્થા બાળકોને આરોગ્ય, શિક્ષણ, ભોજન, મનોરંજન, લાગણી, પ્રેમ અને હુંફ મળે તથા તેમનો વિકાસ થાય તેવી કામગીરી કરે છે. ઉપરાંત સંસ્થા દ્વારા 0 થી 18 વર્ષના અનાથ બાળકોને દત્તકમાં આપવાની કામગીરી હોય છે.

જે અંતર્ગત તારીખ 17 ફેબ્રુઆરી-2021ના રોજ સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, પાલનપુર ખાતે ચાઈલ્ડ વેલફેર કમીટીના ચેરમેન અનિકેતભાઈ ઠાકર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. એન. વી. મેણાત, ડ્યુક પાઈપ પ્રા.લી.ના ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, શહેરના દાતાઓની ઉપસ્થિતિમાં સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી પાલનપુરનો બાળક અનિલ ઉં. વ. આ. 5 વર્ષ અને ચિલ્ડ્રન હોમ પાલનપુરનો બાળક બાબુ ઉં. વ. આ. 10 વર્ષને બિહારના દંપતિને દત્તક આપવામાં આવ્યા છે.
આ કાર્યક્રમાં ઉપસ્થિત મહેમાનઓ દ્વારા બાળક દત્તક લેનાર બિહારના દંપતિને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને બાળકો સગા ભાઈ હોવાથી એક જ પરિવારમાં દત્તકમાં આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં સંસ્થાને હર હંમેશ મદદરૂપ થનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.