ફરજીયાત ફાસ્ટટેગથી ખેમાણા ટોલનાકા પાસેના ગ્રામજનો ત્રસ્ત
દેશભરના ટોલનાકા પર 15મી ફેબ્રુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત કરાયું ત્યારે પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીકના ગ્રામ્ય વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટોલનાકાની પાંચેક કિલોમીટરમાં આવેલા ગામડાઓના લોકોને પણ ફાસ્ટટેગ ફરજિયાત થતા ટોલટેક્સ ભરવો પડે તેવી હાલત થઈ છે. ત્યારે અસરગ્રસ્ત ગ્રામજનોએ આજે પાલનપુરના ધારાસભ્યની આગેવાની તળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
ફાસ્ટટેગ ફરજીયાત કરાતા પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે વસતા ગ્રામજનોને ભારે હલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખેમાણા ટોલનાકા પાસે આવેલા ચિત્રાસણી, આંતરોલી, મલાણા, હેબતપુર, પુરોજપુરા, કોટડા, સુરજપુરા સહિતના ગામડામાં વસતા લોકોને ફાસ્ટટેગ ફરજીયાત થવાથી નાહકનો દંડાવાનો વારો આવ્યો છે.

ધંધા- રોજગાર અને દવાખાના સહિતના કામ માટે પાલનપુર આવવું પડે છે. તેથી તેઓને પણ ફાસ્ટ ટેગ ફરજીયાત થવાથી ટેક્સ ભરવાની નોબત આવી છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ આજે જિલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું ચિત્રાસણીના અગ્રણી દિનેશભાઇ દોશીએ જણાવ્યું હતું.
From – Banaskantha Update