મહિલા ઉમેદવારો દ્વારા સૌથી વધુ વિરોધ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધાયો
ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાઇ જતાં તેણે ભાજપના અગ્રણી સુરેન્દ્ર પટેલને ફોન કરેલા આક્ષેપો અક્ષરશઃ અહીં મૂક્યા છે. મહિલાએ ઉગ્ર થઈ ફોન પર ‘સુરેન્દ્રકાકા તમે મારી ટિકિટ કપાવી, હું તમારા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’, સાહેબ તમે જે મારા માટે ખોટું કર્યું એનો પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી, પણ મારો શ્રાપ છે તમને એટલું યાદ રાખજો. કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટિકિટ મળે એમાં તમને શું રસ હતો સહિતના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ વિરોધ મહિલા ઉમેદવારો દ્વારા નોંધાયો. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈએ ટિકિટ કપાતાં, તો કોઈએ વોર્ડ બદલી નાખવા સહિતની બાબતે અલગ-અલગ પાર્ટીઓનો વિરોધ કર્યો. વિરોધ કરનાર મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપ-કોંગ્રેસનાં હતાં. ઉમેદવારી ફોર્મ ભરાવવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ડ્રામાની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં નેતાઓને ધમકીઓ, શ્રાપ તેમજ રો-કકડ સહિતનાં દૃશ્યો જોવા મળ્યાં છે.
વડોદરામાં ભાજપનાં એક મહિલા કાર્યકરે ટિકિટ ન મળતાં હોબાળો મચાવ્યો હતો. તેઓ કેમેરા સામે જોરજોરથી રડવા પણ લાગ્યાં હતાં. ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો વોર્ડ 7ના ભાજપનાં કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. પોતાનું નામ જાહેર ન થતાં ગીતાબેન પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયાં હતાં અને જોરજોરથી રડવા લાગ્યાં હતાં. ત્યારે શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા ત્યારે ગિન્નાયેલા ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.
રાજકોટમાં પણ ઉમેદવારોની જાહેરાત બાદ માહોલ ગરમાયો હતો. રાજકોટના વોર્ડ નંબર-1માં બહારના ઉમેદવાર જાહેર કરતાં સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ટિકિટવાંછુ મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને તેમણે પાર્ટીનો વિરોધ કર્યો હતો. આ અંગે શહેર કોંગ્રેસના નેતાઓએ આંતરિક મામલો ગણાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં નારાજગી અને ખુશી એમ ચાલ્યા કરે. અમે અમારા પરિવારના સભ્યોને મનાવી લઇશું.
સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે પાસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે, જે પૈકી જ્યોતિ સોજીત્રાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું છે. જ્યોતિબેને જણાવ્યું હતું કે મારા પક્ષે મારા સમાજ સાથે અન્યાય કર્યો છે, જેથી મેં મારું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.

છેક સુધી મારું કંઈ સાંભળવામાં આવ્યું ન હતું. મારા વોર્ડમાં એક એવી વ્યક્તિને મૂકી દીધી છે કે ઉપરથી ઊડીને આવેલી વ્યક્તિ છે. આજે તેમણે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. અમે એક હોળીનું નાળિયેર હોઈએ એવી સ્થિતિ કરી દીધી છે. અમારી કારકિર્દી પૂરી કરી દેવાનું કોંગ્રેસે કામ કર્યું હોય એવું મને લાગે છે.
ઉમેદવારો જાહેર કર્યાના પહેલા જ દિવસે ભાજપમાં બળવો સામે આવ્યો હતો. શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં મહિલા સહિતના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. ચાંદખેડાના કાર્યકરો, મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યાં હતાં.
અહીં આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે 12 વાગે ઉમેદવાર નહીં બદલાય તો 500 કાર્યકરોનાં રાજીનામાં આપી દેવાશે, સાથે જ કાંકરિયા ખાતે જુલાઈ 2019માં રાઇડ અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં મહિલાઓ દ્વારા વિવાદ સર્જાયો હતો.
From – Banaskantha Update