સતત બે દિવસથી ફૂંકાઇ રહેલા ઠંડા હીમ જેવા પવનના કારણે સોમવારે ઉત્તર ગુજરાત ઠંડીથી થથરી ગયું હતું. સૌથી નીચું તાપમાન ડીસા અને ઇડરમાં 6.7 ડિગ્રી નોંધાયું હતું. 14 ડિસેમ્બર 1986ના દિવસે ડીસામાં 2.2 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી, જે રેકોર્ડ છે. ડીસામાં છેલ્લા 34 વર્ષમાં સોમવાર ડિસેમ્બર મહિનાનો બીજો સૌથી ઠંડો દિવસ રહ્યો છે.
ઉ.ગુ.ના મુખ્ય 5 શહેરોમાં સવારે 5.30 કલાકે ઠંડીનો પારો 6.8થી 7.8 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જ્યારે બપોરનું તાપમાન 23.6 થી 24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સવારનું તાપમાન સાડા પાંચ ડિગ્રી અને બપોરનું તાપમાન 2 ડિગ્રી ઘટતાં ઉ.ગુ.માં સિઝનની પ્રથમ શીતલહેર સાથે કોલ્ડ-ડે રહ્યો હતો. શીતલહેરના કારણે રીતસરનો ઠંડીના કહેર વરસતાં લોકો દિવસભર ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. ખરાબપોરે પણ ઘરમાં કે ઓફિસમાં તો ઠીક છાંયડામાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું.
અમીગઢ| આબુમાં રવિવારે રાત્રે માઇનસ 2 ડિગ્રી તાપમાન નોંધાતા શિત લહેર પ્રસરી જવા પામી છે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થતાં તેની સીધી અસર માઉન્ટ આબુમાં થઇ છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થઇ રહ્યો છે. રવિવારની એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી ગગડીને માઇનસ 2 પહોચી ગયો હતો. શીત લહેર પ્રસરી જતાં પર્યટકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાત પરથી ઉત્તરીય ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. આ પવન જમીનસ્તરથી નજીક હોઇ સોમવારે લઘુત્તમ તાપમાન સાડા પાંચ ડિગ્રી તૂટ્યું હતું. 29 અને 30 ડિસેમ્બરે ઠંડા પવનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા હોઇ આગામી બે દિવસ શીતલહેરનું એલર્ટ રહેશે. તેમજ હજુ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.
From – Banaskantha Update