ડીસામાં વગર પરવાનગીએ,જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ કતલખાના,માંસ-મટનની લારીઓ,દુકાનો,હોટલો તેમજ પશુ મંડી બંધ કરાવવા ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીએ ઉચ્ચક્ક્ષે કરી રજૂઆત.
અરજદાની અરજીમાં જણાવ્યા મુજબ ડીસા-પાટણ હાઇવે પર ભોપાનગર વિસ્તાર,ડીસાથી રાજપુર જતા તેમજ ગવાડીના જાહેર માર્ગો ઉપર નાના-મોટા કતલખાનાઓ,નોનવેજની લારીઓ,હોટલો ખુલ્લેઆમ ચાલી રહેલ છે.સ્થાનિક ઓથોરીટી દ્વારા જાણવા મળેલ છે કે, આ લોકો પાસે આ પ્રકારના વ્યવસાય કરવા માટે પરવાનગી લેવામાં આવેલ નથી;તેમજ મોટાભાગના સરકારી જગ્યાઓનો કબજો કરી બેઠેલા છે.
આ પ્રકારના વ્યવસાય ખુલ્લેઆમ રોડ ઉપર કરવાથી શાકાહારી પ્રજા ને માર્ગો પરથી પસાર થવું દુસ્વાર બની ગયેલ છે તેમજ આ તમામ સ્થળે ગંદકીના ઢેર જોવા મળે છે.તેમજ ગવાડી વિસ્તારમાં જીવતા પશુઓની મંડી પણ ભરવામાં આવે છે;ત્યાં હજારો જીવોને કતલખાને ધકેલવામાં આવે છે.
આ ઉપરોક્ત જણાવ્યા મુજબની ચાલી રહેલ પ્રવૃત્તિઓ રોકવા બાબતે વારંવાર સ્થાનિક તંત્રને મૌખિક તેમજ લેખિતમાં રજુઆતો કરવામાં આવેલ છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ લોકોને મોકળું મેદાન મળી રહેલ છે. અને તેઓ બેફામ બની સ્કૂલો,મંદિરો, સ્મશાનગૃહ આગળ પણ નોનવેજની લારીઓ ખોલવાનું સાહસ કરી રહ્યા છે.
વારંવાર તંત્રને આ પ્રકારના ગેરકાયદેસર વ્યવસાયો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ના કરાતાં પ્રજામાં ભારે રોષ છે તેમજ દરેકની લાગણીઓ દુભાઈ રહી છે. જેને લઈને ક્યારેક કોઈ અનિચ્છનીય ઘટના બને તેની ભીતિ સેવાઈ રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા બગડે તે પહેલા વિષયને ગંભીરતાથી લઇ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે અને અવિલંબ વિષયમાં જણાવેલ પ્રવૃત્તિ બંધ કરાવવા ઘટતું કરવા યોગ્ય પગલાં ભરવા તેવી અરજદારે ચીમકી સાથે વિનંતી પણ કરેલ છે.