છેલ્લા નવ માસથી પગાર ન મળતા આર્થિક સંકડામણનો ભોગ બનેલા બનાસકાંઠાના ખાનગી શિક્ષકોએ પણ હવે મોરચો માંડ્યો છે. ખાનગી શિક્ષક સંઘે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. કોરોનાના કહેરને પગલે રાજ્યભરમાં માર્ચથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે રાજ્યભર ના દશેક લાખ ખાનગી શિક્ષકો બેરોજગાર બન્યા છે. જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના ૨૫,૦૦૦ જેટલા શિક્ષકો પણ બેરોજગાર બન્યા છે.
આ શિક્ષકોને છેલ્લા નવ માસથી પગાર ન મળતા તેઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. મોટાભાગના શિક્ષકોને છુટા કરી દેવાયા છે. તો વળી કેટલીક સંસ્થાઓએ અડધો પગાર ચૂકવ્યો છે. ત્યારે બાકી પગાર અને ફરજ પર પરત લેવાની માંગ સાથે બનાસકાંઠા ખાનગી શિક્ષક સંઘે બાંયો ચડાવતા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હોવાનું બનાસકાંઠા ખાનગી શિક્ષક સંઘના પ્રમુખ સુનિલભાઈ પટેલે જણાવ્યું હતું. લોકડાઉનને પગલે પગાર ચૂકવ્યા વગર કેટલાય શિક્ષકોને ફરજ મુક્ત કરી દેવાયા છે. જેને પગલે આવા શિક્ષકોનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. પાલનપુરની ઉમિયા બીએડ કોલેજમાંથી ફરજમુક્ત કરાયેલા પ્રિન્સિપાલ ભગવતીબેન ડાભીએ પણ પોતાને બાકી પગાર ચૂકવાયો ન હોવાની સાથે પોતાની સહીનો દુરુપયોગ કરાતો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે બેરોજગાર બનેલા શિક્ષકોની હાલત કફોડી બની છે. ત્યારે માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલન કરવાની પણ ચીમકી ખાનગી શિક્ષક સંઘે ઉચ્ચારી હતી.