વડગામ ખેરાલુ હાઇવે ઉપર શનિવારે કાર ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે ને ગંભીર ઇજાઓ થઈ હતી ઘટનાની જાણ થતા લોકો ના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા મથક વડગામ નજીક આવેલ પેટ્રોલપંપ ત્રણ રસ્તા ઉપર પેપોળ તરફથી વડગામ તરફ આવતી એક કારના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી જઈ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળવા સાથે કારમાં સવાર નિવૃત ના. મામલતદારના પુત્ર ભાવેશ ઈશ્વરભાઈ પરમારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કીર્તિભાઈ વિરાભાઇ પ્રજાપતિ તેમજ પરવેઝ નિશારભાઈ મીરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. અકસ્માતમાં નિવૃત ના.મામલતદાર આઈ.ડી.પરમાર ના પુત્ર નું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.