પ્રથમ દિને ખેડૂતોને પ્રતિ મણ બટાકાના ભાવ 351 રૂપિયા મળ્યાં: ચાર હજાર કટ્ટાની આવક નોધાઇ
બટાટા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં નવા બટાકાની આવક શરૂ થવા પામી છે. બટાકાની જાહેર હરાજીના પ્રથમ દિને જ ખેડૂતોને પ્રતિ મણ બટાકાનો ભાવ 321 થી 351 રૂપિયા નોધાયો હતો. જયારે ચાર હજાર કટ્ટાની આવક થઇ હતી.
ઉતર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત વી.જે.પટેલ શાક માર્કેટમાં નવા બટાકાની આવક શરૂ થઇ હતી પરંતુ શાક માર્કેટ મુખ્ય બજારમાં હોવાથી સિઝન દરમ્યાન ખેડૂતો અને વેપારીઓને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જેથી વેપારીઓ અને ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઈ ડીસા માર્કેટયાર્ડના દ્વારા છેલ્લા ચાર વર્ષથી બટાકાની હરાજીનુ કામકાજ મુખ્ય માર્કેટયાર્ડમાં રાખવામાં આવે છે. જેથી બુધવારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીના હસ્તે બટાકાની જાહેર હરાજીનો શુભારંભ કરાવ્યો હતો. પ્રથમ દિને ડીસા માર્કેટયાર્ડમાં બટાકાના ચાર હજાર કટ્ટા ની આવક નોધાઇ હતી. જયારે પ્રતિ મણ (20 કિલો) બટાકાનો ભાવ 321 થી 351 રૂપિયા રહ્યો હતો.