વડોદરામાં સુશાસન દિવસ અંતર્ગત ખેડૂતને ‘કિસાન સહાયતા યોજના’ અંતર્ગત નાણા વિતરણ કરવાનો પ્રારંભ. CM રૂપાણીએ કહ્યું,’સરકાર વીમા કંપનીઓ પર દબાણ કરવા મક્કમ’
આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જયંતિ નિમીતે ભારત સરકાર દ્વારા સુશાસન દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજના દિને રાજ્ય સરકાર દ્વારા ‘કિસાન સહાયતા’ પેકેજ અંતર્ગત માવઠાથી નુકસાની વેઠી રહેલા ખેડૂતોને સહાયતા કરવા માટે નાણા ચુકવવાની શરૂઆત કરાઈ છે. યોજનાનો વડોદરાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે’આ યોજના અંતર્ગત 24 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. વળતર માટે આજે 2 લાખ ખેડૂતોને નાણા અપાયા છે જ્યારે આવતીકાલ સુધીમાં 8 લાખ ખેડૂતોને સહાયતા પહોંચી જશે’ દરમિયાન આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ કરવા માટે ડ્રોનથી દવા છંટકાવનો ઉપયોગ કરવાના સંકેત આપ્યા હતા.
ડ્રોનથી દવા છંટકાવ વિચારણા હેઠળ
પત્રકારો સાથેની વાતચીતમાં સી.એમ. રૂપાણીએ જણાવ્યું, “ તીડ નિયંત્રણ માટે સરકાર પુરજોશમાં લાગેલી છે. કેન્દ્રની 11 ટીમો તીડને નાથવા માટે સક્રિય છે, હેલિકોપ્ટરથી દવા છંટકાવ ન થઈ શકે પરંતુ ડ્રોનથી દવા છંટકાવની વિચારણા છે, આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.’
વીમા કંપનીઓ પર દબાણ કરાશે
પાક વીમા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું, ‘આ મામલે વીમા કંપનીઓ પર દબાણ ચાલુ છે અને હજુ પણ દબાણ કરાશે. જે ખેડૂતને નુકસાની થઈ છે, રાજ્ય સરકાર તેની સાથે ઉભી છે. ખેડૂતોને સહાયતા કરવા માટે જ આજથી નાણા વિતરણની શરૂઆત રાઈ છે.’
ખેડૂતો પાણી પૂરતું છે તમામ સીઝનમાં પાક લો : રૂપાણી
મુખ્યમંત્રીએ સારા ચોમાસાનો હવાલો આપતા કહ્યું કે ‘રાજ્યમાં આ વર્ષે ઇશ્વરકૃપા થી ખૂબ સારૂં ચોમાસું ગયું છે. સિંચાઈના પાણીનો પૂરતો જથ્થો છે. સરકાર જરૂર પડે સિંચાઈનું પાણી આપશે. મેં ખેડૂતોને આહ્વવાન કર્યુ છે કે તમે તમામ સીઝનના પાક લો, સરકાર જરૂર પડે પાણી આપશે’