મહેસાણાના લાખવડથી રામપુરા તરફ જઇ રહેલા પરિવારની કાર રસ્તામાં કૂતરું વચ્ચે આવતાં બચાવવા જતાં પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 4 વ્યક્તિઓને ઇજા થઇ હતી. જેમાં એક અને ચાર વર્ષનાં બે બાળકોની હાલત ગંભીર હતી.
લાખવડમાં હનુમાન વિસ્તારમાં રહેતા કિર્તીસિંહ રાઠોડ મંગળવારે રામપુરામાં રસોડું રાખેલું હોઇ પત્ની લાલીબેન સહિતની સાથે કાર લઇ સવારે 10.30 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. લાખવડથી રામપુરા તરફ જવાના માર્ગે રોડ પર વચ્ચે આવી ગયેલા કૂતરાને બચાવવા જતાં તેમની કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં પાછળની સીટમાં બેઠેલા 35 વર્ષનાં લાલીબેનને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય 4 ઇજાગ્રસ્તોને મહેસાણા સિવિલમાં લવાયા હતા. બે બાળકોની હાલત ગંભીર જણાતાં અમદાવાદ ખસેડાયાં હતાં.
પતિને પત્નીના મૃત્યુથી અજાણ રખાયો
અકસ્માતમાં માથામાં ગંભીર ઇજાને કારણે લાલીબેનનું મોત થયું હતું. અહીં સારવાર દરમિયાન કીર્તિસિંહને પત્નીના મૃત્યુથી અજાણ રાખેલ હોઇ તે વારંવાર પૂછતો હતો કે લાલીની તબિયત કેવી છે. તે રસોઇ બનાવતી હોઇ રસોડે જઇ રહ્યા હતા અને બનાવ બન્યો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્તો
1.કીર્તિસિંહ ઇશ્વરસિંહ રાઠોડ (38)
2.ભાવેશ કીર્તિસિંહ રાઠોડ (4)
3.સોનુબેન દશરથજી રાઠોડ (1)
4.દિપક કલ્યાણગીરી ગોસ્વામી (40)