ફૂડ સેફ્ટી મામલે અધિક કલેક્ટરે જેમના સેમ્પલ ફેલ થયા હોય તેવા 7 કેસોમાં 17 ડિસે. સુનાવણી હાથ ધરી જુદી જુદી બાબતોને લઈ કુલ રૂ.11.46 લાખનો દંડ કર્યો છે.જેમાં પૂજન ઘી વેચી જનતાને છેતરતા ડીસાના ઘીના વેપારીને 4.22 લાખનો દંડ,છાપી અને ડીસા આખોલના વેપારીઓને ભેળસેળ વાળું ઘી વેચતા 6.82 લાખનો દંડ અને પાલનપુર અને થરાદમાં દૂધમાં ઓછા ફેટ અને કલરની મિલાવટ મામલે 42 હજારનો દંડ ફટકારી આક્રમક વલણ દર્શાવ્યું છે.
ફુડ વિભાગ દ્વારા જે કોઈ સેમ્પલ લેવામાં આવે છે તે લેબોરેટરી પરિક્ષણમાં મોકલવામાં આવે છે.અને લેબોરેટરીમાંથી ફેલ થયેલા સેમ્પલ સામે અધિક કલેકટરની કોર્ટમાં કેસો ચલાવવામાં આવે છે.અને ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાય છે.17 ડિસેમ્બરે અધિક કલેક્ટર એલ.બી.બામણીયાએ આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓને સબક શિખવાડવાના ભાગરૂપે લાખો રૂપિયાનો દંડનો હુકમ કર્યો હતો.જેમાં છાપીના રજોસણની કારવા બેવરેજીસમાંથી લુઝ ઘી મામલે પ્રોપરાઇટર જુનેદ રહીમતુલ્લા ઢાગાને રૂ.2.6 લાખનો દંડ કર્યો હતો.જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પર મંથન પ્રોડક્ટ વેપારી પેઢીમાં લુઝ ઘીના મામલે પ્રોપરાઇટર ચિરાગ ખેમચંદભાઈ મોદી અને ભાવેશ અરવિંદભાઈ મોદીને મધુરી પ્રીમિયમ દેશી ઘી મામલે રૂ.2.90 લાખનો દંડ ફટકાર્યો હતો.જ્યારે મઢુલી કાઉ ઘી મામલે 1. 86 લાખનો દંડ ફટકાર્યો હતો.થરાદ મીઠા રોડ પરના સંતોષ સિઝનેબલ કેરીના રસમાં કલર મામલે પ્રોપરાઇટર ધરમશીભાઈ હરસીભાઈ પટેલને રૂ.22 હજાર,પાલનપુરની પટેલ દુગ્ધાલયમાં ભેંસના દૂધમાં ઓછા ફેટ મામલે પ્રોપરાઇટર દેવાભાઈ રત્નાભાઇ પટેલને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો.તો બીજી તરફ પૂજન ઘી વેચતા વેપારીઓ સામે કડક હાથે કામ લઇને અધિક કલેક્ટરે ડીસાના લાટી બજારમાં આવેલી વીર પ્રોડક્ટના પ્રોપરાઇટર મેહુલ પરેશભાઈ ચોખાવાલા સામે કડક હાથે કામ લઇને મઢુલી પૂજન અને સંગમ પૂજન બ્રાન્ડને સંયુક્ત રીતે રૂ.4.22 લાખનો દંડ કર્યો હતો.
વેજીટેબલ ઓઈલ સાથે એસેન્સ અને કલરનો ઉમેરો કરી ઘી જેવો પદાર્થ બનાવ્યો
અધિક કલેક્ટરે હુકમમાં નોંધ્યું હતું કે મઢુલી બ્રાન્ડમાં વેજીટેબલ ઓઈલ હતું.અને નોન એડિબલ ઓઇલ બોલ્ડ અક્ષરે લખેલું નહોતું.જ્યારે સંગમ પૂજન બ્રાન્ડમાં વેજીટેબલ ઓઈલ હતું.જેના નમૂનામાં હાઇડ્રોજીનેટેડ વેજીટેબલ ઓઈલ સાથે એસેન્સ અને કલરનો ઉમેરો કરી ઘી જેવો પદાર્થ બનાવ્યો હતો.ધાર્મિક આસ્થાની આડમાં કાયદાથી બચવા તેની પર પૂજન પર્પસ દીપ દ્રવ્ય અને નોન એડિબલ લખાણનો પ્રયોગ કરી જનતાને છેતરવાનું કાર્ય કર્યું હતું.