ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની દાયકાની બેસ્ટ વન-ડે ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીને મોટુ સન્માન આપ્યું
મેલબોર્ન : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની દાયકાની બેસ્ટ વન-ડે ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીને મોટુ સન્માન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ તરફથી જાહેર કરેલી ટીમમાં ધોનીની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. ધોની સિવાય આ વન-ડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ સ્થાન બનાવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ધોનીને દશકનો વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા પાછળ કારણ પણ બતાવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મતે દશકના અંતમાં ધોનીનું બેટથી પ્રદર્શન કથળ્યું છે પણ તે ભારતીય ટીમના સ્વર્ણિમ સમયમાં ગજબનો તાકાતવર ખેલાડી હતો. ધોનીએ 2011માં ઘરેલું ધરતી ઉપર ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ અપાવ્યો હતો અને તે ભારતનો કમાલનો મેચ ફિનિશર બન્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગળ કહ્યું હતું કે ધોનીની એવરેજ 50 કરતા વધારે છે અને તે 49 ઇનિંગ્સમાં અણનમ રહ્યો છે. જેમાં 28 વખત લક્ષ્યાંકનો પીછો કરતા અણનમ રહ્યો હતો અને આ દશકમાં તે અણનમ રહ્યો ત્યારે ટીમ ઇન્ડિયા ફક્ત 3 મેચ હાર્યું છે. સાથે વિકેટકીપર તરીકે ધોનીના પ્રદર્શને ટીમ અને બોલરોને ક્યારેય નિરાશ કર્યા નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની વન-ડે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ સ્થાન મળ્યું છે. રોહિત અને હાશિમ અમલા ઓપનર તરીકે પસંદ થયા છે. વિરાટ કોહલી નંબર 3 પર છે. એબી ડી વિલિયર્સ, શાકિબ અલ હસન અને જોસ બટલરને પણ સ્થાન મળ્યું છે. બોલિંગમાં મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ અને લસિથ મલિંગા ફાસ્ટ બોલર તરીકે પસંદ થયા છે. જ્યારે રાશિદ ખાન ટીમમાં સ્પેશ્યાલિસ્ટ સ્પિનર તરીકે પસંદ થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દશકની બેસ્ટ ટેસ્ટ ટીમમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પસંદગી કરી છે. આ ટીમમાં ભારતનો ફક્ત વિરાટ જ સ્થાન બનાવી શક્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની વન-ડે ટીમ – રોહિત શર્મા, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, એમએસ ધોની (કેપ્ટન), શાકિબ અલ હસન, જોસ બટલર, રાશિદ ખાન, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, લસિથ મલિંગા.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની ટેસ્ટ ટીમ -એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટિવ સ્મિથ, એબી ડી વિલિયર્સ, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, નાથન લાયન, ડેલ સ્ટેઈન, જેમ્સ એન્ડરસન.